ગુજરાતનાં ઇતિહાસલેખનમાં ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીનું અભિલેખવિદ્યાના ક્ષેત્રે પ્રદાન

Abstract

ગુજરાતના ખાસ કરીને અમદાવાદના વિદ્યા-વર્તુલમાં જે વિવિધ તેજસ્વી તારલા ઝબૂકે છે તેમાંના એક હતા પ્રા. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી. ઉચ્ચકોટિના સશોધક, પ્રાચીન પુરાતત્વવિદ અને અભિલેખવિદ એમ બહુમુખી પ્રતિભા ધરાવનાર ડૉ. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રીનો જન્મ ૧૭ ઓક્ટોબર, ૧૯૧૯ ના રોજ ખેડા જિલ્લાના મલાતજ ગામે સાઠોદરા નાગર જ્ઞાતિમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મલાતજ અને જૂનાગઢ તેમજ ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં લીઘું હતું. તેમણે ઇ.સ. ૧૯૪૦ માં સ્નાતક અને ઇ.સ. ૧૯૪૨ માં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેમજ ઇ.સ. ૧૯૪૭ માં “વલભી રાજ્યના સંસ્કૃત અભિલેખોમાંથી મળતી માહિતી” વિષય ઉપર પીએચ.ડી. ની પદવી મેળવી હતી.
ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ સંસ્કૃત ભાષા અને સાહિત્ય, ભારતીય અભિલેખવિદ્યા, પ્રાચીન સિક્કાશાસ્ત્ર, લિપિવિદ્યા જેવા વિષયોમાં સંશોધનકાર્ય કર્યું છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં ભારતીય સંસ્કૃતિ વિષયના અધ્યાપક તેમજ માર્ગદર્શક તરીકેની ફરજ બજાવેલી.
આમ, મૂળ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી સંસ્કૃતમાં ડિગ્રી ધરાવતા હોવા છતાં એપિગ્રાફીને લીધે તેમનું પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં અધ્યાપન અને અધ્યયન-સંશોધન એ વિષયમાં વધુ વિકસેલું. તેમણે પોતાની કારર્કિદીના ઘડતર અને જીવન ઘડતરની સાથે વિભિન્ન વિષયોમાં મૌલિક ગ્રંથો આપવાની સાથે ગુજરાતના ઈતિહાસના કેટલાંક ગ્રંથોનું સંપાદનકાર્ય પણ કર્યું છે.
અભિલેખવિદ્યા એ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીનાં ઊંડાણપૂર્વકનાં અધ્યયન અને સંશોધનનો વિષય રહ્યો છે. અભિલેખોનું વાચન, તેનું લખાણ બીજી લિપિમાં ઉતારવું, સારદોહન, સંપાદન તથા વિવરણ કરવું એ તેમની મુખ્ય પ્રવૃત્તિ હતી. તેમાં ક્ષત્રપ સમયથી શરૂ કરી આધુનિક સમય સુધીના આશરે ૬૦ થી વધારે અભિલેખોની વાચના કરી, તેનું સંપાદન તથા વિવરણ કરીને તેમણે પ્રસિદ્ધ કર્યા છે. અભિલેખવિદ્યાના ક્ષેત્રે આ તેમનું મહત્વનું પ્રદાન ગણાય છે.
આ સંશોધન પેપરમાં ‘અશોક અને એના અભિલેખ’, ‘ભારતીય અભિલેખવિદ્યા’, અને “ગુજરાતનાં ઐતિહાસિક લેખો” ભાગ ૪ અને ૫, વગેરે જેવા ગ્રંથોમાં તેમજ ‘પ્રાચીન હિંદની રાષ્ટ્રલિપિ’, ‘અડાલજની વાવનો શિલાલેખ’, ‘સૌરાષ્ટ્રના પ્રાચીન અભિલેખો’, ‘અશોકના અભિલેખ’ વગેરે જેવા સંશોધન સામયિકોમાં પરિચયાત્મક અને સંશોધનાત્મક લેખો પ્રગટ કરી તેમણે અભિલેખવિદ્યાના ક્ષેત્રે ઉમદા પ્રદાન આપ્યું છે.

Key Words:

ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, સંસ્કૃત ભાષા અને સાહિત્ય, ભારતીય અભિલેખવિદ્યા, પ્રાચીન સિક્કાશાસ્ત્ર, લિપિવિદ્યા

વાઘેલા હેતલબહેન ગીરીશભાઈ

પી.એચ.ડી. સંશોધક, ઈતિહાસ વિભાગ સમાજવિદ્યા ભવન,
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
Email : hetalvaghela6666@gmail.com
માર્ગદર્શક : ડૉ. જનક ગઢવી

DOI

Downloads

Leave a Reply