Abstract
ભારતવર્ષ આદિકાળથી વિવિધાતામાં એકતા ધરાવતો પ્રદેશ રહ્યો છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ભૂતકાળમાં ભારતમાં ઘણી પ્રજાઓ કોઈને કોઈ હેતુથી આવી અને પોતાનો ઉદેશ્ય સિધ્ધ થતાં ચાલી ગઈ. તો કોઈએ આક્રમણકારી વલણ પણ અપનાવેલું જોવા મળે છે. છેવટે ૧૯મી સદીમાં ભારતની પ્રજા માટે આ પ્રવૃત્તિઓ અને ઢીલી નીતિ અસહ્ય થઈ પડી અને અનુભવે સ્વાતંત્ર્ય સંગ્રામ કરવા પ્રેરાઈ. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ઇ.સ.૧૮૫૭ના વિપ્લવથી શરૂ થયો અને ઇ.સ.૧૯૪૭માં દેશની સ્વતંત્રતા સાથે પૂરો થયો. જે આશરે ૯૦ વર્ષ સુધી આ સ્વાતંત્ર્ય સંગ્રામનો દોર ચાલુ રહ્યો. રાષ્ટ્રના અન્ય પ્રાંતોની માફક આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતની શાંતિપ્રિય મનાતી ગુજરાતી પ્રજાએ પણ બ્રિટીશ સરકાર સામે બાંયો ચડાવી અને ઝઝૂમી. ગુજરાતની ભૂમિએ મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ગરબડદાસ, જોધા માણેક, ઠકકરબાપા, ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ વગેરે જેવા મહાન સ્વાતંત્ર્ય સૈનિકો ભારતમાતાને આપ્યા છે. આ સંગ્રામમાં ગુજરાતના જુદાજુદા વિસ્તારના લોકો, નેતાઓ, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ અને આબાલ સ્ત્રીઓએ રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી બલિદાન આપી અને રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું અમૂલ્ય પ્રદાન આપ્યું છે. આ સંગ્રામમાં ભારત સહિત ગુજરાતના તમામ સમાજોએ ઊંચનીચના ભેદભાવો વીસરી જઇ સામૂહિક લડત આપી. છેવાડાના વર્ગો જેવા કે આદિવાસી પ્રજા, દલિત અને શુદ્ર વર્ગો, કારીગર વર્ગો એમ તમામે પોતાનોફાળો રાષ્ટ્ર માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપ્યો હતો. પરંતુ તેઓની નોંધ સરકારી દફતરે કે ઈતિહાસલેખનમાં ક્યાંક લેવાઈ છે અને ક્યાંક નથી પણ લેવાઈ. બ્રિટીશકાલીન ભારતમાં મહાત્મા ગાંધીજી ઇ.સ.૧૯૧૫માં ભારત પરત ફર્યા અને ભારતમાં ગાંધીયુગના પગરણ થયા. તે અગાઉ તેમણે દક્ષિણ આફ્રિકામાં પણ બ્રિટીશ સરકાર સામે અહિંસાનું શસ્ત્ર અજમાવી રંગભેદનીતિ અને જુલ્મી અન્યાયો સામે સત્યાગ્રહો કરેલા જેની ઇતિહાસ સાક્ષી પૂરે છે.
Key Words:
કુંભાર, સમાજ, સ્વતંત્રતા, સ્વાતંત્ર્ય સંગ્રામ, બ્રિટિશશાસન
ડો.ભાવેશકુમાર કે. પ્રજાપતિ
(મદદનીશ અધ્યાપક, ઈતિહાસ)
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, જાદર
Email ID : bkprajapati3563@gmail.com