અમદાવાદની પોળ એક સાંસ્કૃતિક વારસો

Abstract

ભારતનાં વિવિધ શહેરોમાં સાંસ્કૃતિક ધરોહરના શહેર તરીકે અમદાવાદની ગણના થાય છે. કોઈ મનુષ્યે પોતાના જીવનકાળ દરમિયાન ઘણી સફળતા-નિષ્ફળતા કે ચઢતી અને પડતીઓનો સામનો કર્યો હોય તે પરથી તેના જીવનનાં લેખો-જોખાં મેળવી શકાય, તેવું જ આ અમદાવાદ શહેરનું પણ છે. 15મી શતાબ્દીમાં ઈ.સ.1411 ની 27મી ફેબ્રુઆરીએ અહમદશાહ નામના બાદશાહે સાબરમતીના કિનારે વસાવેલા આ નગરના ઇતિહાસે પણ નાનીમોટી અનેક ચઢતી પડતી નિહારી છે. સમગ્ર ભારત દેશના સર્જનમાં પણ અનેરું યોગદાન આપ્યું છે. અને તેના કારણે જ આજના કેટલાંક પોતાના અર્વાચીન પાટનગરોની સરખામણીમાં એક સમયનું ગુજરાતનું પાટનગર અમદાવાદ અતિ મહત્વનું નગર બની રહ્યું છે. અમદાવાદ એક ઐતિહાસિક શહેર છે અને તેમાં તે સ્થાપત્ય, નિવાસો અને વેપારનું કેન્દ્ર રહ્યું છે. અમદાવાદની પોળો પણ શહેરનું આગવું અને મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું છે. અમદાવાદ નગરની રચનાની સાથે જ અમદાવાદની પોળોની રચના થયેલી જોવા મળે છે. પોળોમાં રહેતા લોકોની વચ્ચે પરસ્પર એકબીજા સાથે પ્રેમભર્યા વ્યવહાર જોવા મળે છે. ઘણીખરી પોળોમાં એક જ જ્ઞાતિ તથા ધર્મના લોકો એકસાથે રહેતા હોવાથી તેમનું સામાજિક તેમજ સાંસ્કૃતિક વૈમનસ્ય ખૂબ જ અતૂટ પ્રકારનું હોય છે. આ ઉપરાંત પોળોમાં બીજી જ્ઞાતિ કે ધર્મના લોકો રહેતા હોવાથી તે લોકો પણ અરસપરસ એકબીજાના રીતરિવાજો, સામાજિકતા, સાંસ્કૃતિક મહત્વ, પરંપરા, ઉત્સવો વગેરે વિશે જાણે છે અને તેમાં સાથ સહકાર આપીને ભેગા મળીને ખુશીઓ મનાવે છે. ઉપરાંત એકબીજાના સુખ, દુઃખમાં સાથ નિભાવે છે. જેથી તેમની સામાજિકતાનો પણ ખ્યાલ આવે છે. અમદાવાદની પોળોનું જીવન નિરાળું છે. તેને નજીકથી નિહાળો તો તેમાં દરેક રંગોને જોઈ શકાય છે. જો અમદાવાદમાં પોળ ન હોય તો અમદાવાદના રહેઠાણોની કલ્પના કરવી પણ અશક્ય છે. પોળમાં રહેલા રોજિંદા જીવનની અલગ જ મજા છે. એટલે જ તો અમદાવાદની પોળની મુલાકાત લેવા વ્યક્તિઓ માટે હેરિટેજ વોકની શરૂઆત કરાઈ છે. હેરિટેજ વોક દ્વારા પોળની સંસ્કૃતિ, સામાજિકતા, સ્થાપત્યકલા, ધાર્મિક સ્થાનો, પરંપરા વગેરેને પ્રત્યક્ષ રીતે નિહાળી શકાય છે. વિદેશથી આવતા મોટાભાગના પ્રવાસીઓ આ હેરિટેજ વોક દ્વારા જૂના અમદાવાદની સાંસ્કૃતિક ધરોહરને નિહાળીને ઓળખવાનો પ્રયાસ કરે છે.

NAI DAXESH HARESHBHAI

Ph.D. Research Scholar
SCHOOL OF SOCIAL SCIENCES - GUJARAT UNIVERSITY
Email : daxesh29891@gmail.com

DOI

Downloads

Leave a Reply