પાટણનું પટોળું – એક વૈભવી વિરાસત

Abstract

કલા શાંત ચિત્તનું પરિણામ છે. તે અચેતન રૂપનું બીજું રૂપ છે, અને આત્માનું પ્રતિક છે. કલા સત્ય છે. સત્ય એ આત્મા છે અને આત્મા શિવ છે. આથી કલાકારની દક્ષતા ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’ જેવા ઉચ્ચ આદર્શોને વરેલી છે, કલા અને સંસ્કૃતિ જેના ચરણ ચુમે છે તેવી ઐતિહાસિક નગરી પાટણ જેણે અનેક કલા રત્નો આપ્યા છે, પોષ્યા છે, ગોદમાં સમાવ્યા છે. વિવિધ પરંપરા ધરાવતા ભારત દેશમાં ગુજરાતનું એ સીમાચિન્હરૂપ છે. ભૌગોલિક દ્રષ્ટિએ સમૃધ્ધ એવા પ્રદેશની શોધમાં નિકળેલ વનરાજ ચાવડાએ વિ.સ. 802 (ઈ.સ. 746) માં સરસ્વતિ નદી તટે આ નવું પત્તન (પાટણ) વસાવ્યું હતું. ત્યારબાદ પાટણની ગાદી ઉપર ચામુંડરાજ, વલ્લભરાજ, સિધ્ધરાજ, ભીમદેવ, કુમારપાળ જેવા વીર પરાક્રમી રાજાઓ થઈ ગયા. જેમના સમયમાં પાટણમાં રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થયેલો. સંસ્કૃતિનો અર્થ એવો હોય છે કે ઊંચી જાતનું વિજ્ઞાન, રાજ્યવ્યવસ્થા, વહેમોનો નાશ, તેમજ સારી ખેતી, સારા ઉદ્યોગો સ્થાપી પોતાની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ બનાવી શકાય. પાટણ પ્રાચીન સમયથી હસ્તકલા ઉદ્યોગનું ઐતિહાસિક કેન્દ્ર છે. અણહિલપુરમાં આવેલ વિદેશી મુસાફરોના લખાણો, સાહિત્યો, દંતકથો, વિવિધ ઇતિહાસકારોના લખાણોમાંથી પાટણના કાપડ ઉદ્યોગની માહિતી મળે છે. પાટણમાં પટોળાં ક્યારથી વણાય છે તે અંગે ચોક્કસ માહિતી મળતી નથી. તેમ છતાંય પટોળાના સર્જનહાર સાલવી લોકોને પાટણમાં કુમારપાળ કે સિધ્ધરાજ કે કર્ણદેવના સમયમાં આવેલા કેટલાક ઇતિહાસકારો તેમને દક્ષિણાના જાલના પ્રદેશમાંથી આવ્યા હોવાનું માને છે. પાટણમાં સાલવીઓ સિધ્ધરાજના સમયમાં માતા મયણલ્લા સાથે દક્ષિણ ભારતમાંથી આવ્યા હોવાનું મનાય છે. પાટણમાં સાલવીઓના ઘણા મહોલ્લા છે. પટોળું એ પવિત્ર વસ્ત્ર છે. તેનો ઉપયોગ ભગવાનની પૂજા અર્ચના માટે થાય છે. કુમારપાળ પટોળું પહેરીને ભગવાનની પૂજા કરતો. ધાર્મિક ક્રિયામાં પિતાંબરનું મહત્વ જેટલું છે, તેટલું જ મહત્વ પટોળાનું પણ છે. ઐતિહાસિક કાળથી જ પટોળું એ ગુજરાતની નારીઓમાં તો પ્રિય છે જ સાથે ભારતના અન્ય રાજ્યો તેમજ સમસ્ત વિશ્વમાં પણ તેનું આગવું સ્થાન છે. હસ્તકલા ઉદ્યોગમાં પટોળું એ ખૂબ સમૃધ્ધ, અતિસુંદર, પવિત્ર અને ખૂબ જ રસપ્રદ ગણાય છે. પટોળું એકવાર નજરે પડ્યા પછી કોઈપણ તેની સુંદરતાની મોહજાળમાં ફસાયા વિના રહી શકતું નથી. તેના આવા આકર્ષણનું મુખ્ય કારણ તેના રંગો, તેની ડિઝાઈન અને વણાટકામની ખૂબી છે. પટોળાની બનાવટમાં રેશમનો ઉપયોગ મહત્વનો છે. અલગ અલગ પ્રક્રિયામાંથી પસાર કરીને પટોળું તૈયાર કરાય છે. પટોળામાં રાસાયણિક રંગોના બદલે કુદરતી રંગનો ઉપયોગ કરાય છે. પટોળાની ભાત વિશે કહેવાય છે કે “પડી પટોળે ભાત ફાટે પણ ફિટે નહી” પટોળું ગમે તેટલા વર્ષ જૂનું હોય પરંતુ તેની ડિઝાઈન અને કલર એવા જ સ્મણીય આંખોને પણ અંજાવી દે તેવા હોય છે. વર્તમાન સમયમાં હસ્તકલાને જીવંત રાખવા સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પાટણ તેના સ્થાપત્યના આધારે હેરીટેજ તરીકે નામના મેળવી શક્યું છે. હવે પટોળાને પણ હેરિટેજમાં સ્થાન મળે તેવી અપેક્ષા રાખવી એ હિતાવહ છે.

SADHU KHUSHBU VINODBHAI

Ph.D. Research Scholar
SCHOOL OF SOCIAL SCIENCES - GUJARAT UNIVERSITY
Email : khushbusadhu28@gmail.com

DOI

Downloads

Leave a Reply