ઉત્તર ગુજરાતના ઇતિહાસ જાણવાના સાધનો તરીકે લોકગીતોનું મહત્વ

Abstract

ઇતિહાસ એ ભૂતકાળનાં માનવજીવન અને માનવીની પ્રવૃત્તિઓની આધારભૂત માહિતી આપે છે. ઇતિહાસ જાણવાના સાધનો વ્યાપક અને વિવિધ પ્રકારનાં છે. અવશેષો, નમૂનાઓ, અહેવાલો, દસ્તાવેજો, વિવિધ ગ્રંથો અને અલિખિત સાધનો કે મૌખિક પરંપરાઓ એ ઐતિહાસિક સાધનો કહેવાય. જેની મદદથી તત્કાલીન સમાજજીવનનો ઇતિહાસ જાણી શકાય છે. અલિખિત સાધનો કે મૌખિક પરંપરા એટલે આપણું લોકસાહિત્ય. જોકે વર્તમાન સમયમાં લોકસાહિત્યના નિષ્ણાતો દ્વારા તેના સંપાદનના કાર્ય થયા છે. લોકસાહિત્યમાં ભવાઈ, લોકકથાઓ, લોકોક્તિ, લોકગીતો વગેરેનો સમાવેશ થાય છે. લોકગીતોનો સામાજિક સમુદાયના જીવન સાથે સંબંધ છે. સમાજના લોકોની જીવનરીતિ, તેમની પીડા, તેમના પર થયેલા અત્યાચારો લોકગીતોમાં વર્ણવાયેલા છે. વિવિધ પ્રદેશ, વિસ્તાર કે પંથકના લોકગીતોમાંથી સમાજજીવનનો ઇતિહાસ જાણી શકાય છે. ઉત્તર ગુજરાતમાં વસવાટ કરતી વિવિધ જ્ઞાતિ કે સમુદાય, સમાજના આનંદપ્રમોદ, દુ:ખ, દર્દો, માન્યતાઓ, પરંપરાઓ, રૂઢિઓ, રીત-રિવાજ, સ્ત્રીઓની સ્થિતિ, ઐતિહાસિક માહિતીઓ, રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વાસ્તવિક્તાઓનું પ્રતિબિંબ લોકગીતોમાં જોવા મળે છે. લોકગીતો એ લોકોના હૈયે સચવાયેલાં દસ્તાવેજ છે. લોકગીતોમાં ઇતિહાસને વણી લેવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે. પહેલાંના સમયમાં ચુંવાળ, વઢિયાર, ધાણધાર, જેતવાડો, કાંકરેજ, ડીસાવળ, અનાવાડો અને ખાખરીયા ટપ્પો વગેરે તરીકે ઓળખાતા ઉત્તર ગુજરાતના વિસ્તાર કે પંથકના ઐતિહાસિક બનાવો કે ઘટનાઓની માહિતી લોકગીતોમાં વર્ણવાયેલી છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વસવાટ કરતા ડુંગરી ભીલ આદિવાસી સમાજના લોકગીતોમાં તેમનો ઇતિહાસ રહેલો છે. લોકગીતોમાં પ્રતિબિંબિત ઐતિહાસિક સત્યો એ શુદ્ધ ઇતિહાસલેખનમાં સહાયરૂપ બની શકે છે. સમાજજીવનના સત્યને ઉજાગર કરતા ઇતિહાસ જાણવાના અનેક સાધનોમાં લોકગીતોની અવગણના ન કરી શકાય. આમ, ઉત્તર ગુજરાતનો ઇતિહાસ જાણવા માટે લોકગીતોને મહત્વનું સાધન ગણી શકાય.

Key Words:

ઉત્તર ગુજરાત, ઇતિહાસ જાણવાના સાધનો, લોકગીતો

સુથાર કૌશલકુમાર અરવિંદભાઈ

પીએચ.ડી.રીસર્ચ સ્કોલર, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદ

DOI

Downloads

Leave a Reply