Abstract
ડૉ. ભારતીબેન શેલત ગુજરાતનાં એક સમર્થ ઈતિહાસકાર હોવા ઉપરાંત, તેઓ ઈતિહાસના મૂળ સ્ત્રોતરૂપ અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર, હસ્તપ્રતવિદ્યા, ઐતિહાસિક સંસ્કૃતસાહિત્યના સંશોધનના ક્ષેત્રમાં ઉન્નત સ્થાન ધરાવે છે. 3 જુલાઈ, 1939 ના રોજ મહેસાણા મુકામે જન્મેલા આ ઈતિહાસવિદ નિખાલસ અને રમૂજી સ્વભાવના હતાં. તેમણે પ્રાથમિક શિક્ષણ મહેસાણા અને વડોદરામાં તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યુ. તેમણે સંસ્કૃત વિષય સાથે બી.એ. અને એમ.એ. ની પદવી મેળવી હતી. તેમણે સંસ્કૃત(અભિલેખવિદ્યા) વિષયમાં ‘Chronological Systems of Gujarat’ શિર્ષક હેઠળ પીએચ.ડી ની પદવી મેળવી. ડૉ. શેલતે ભો.જે. વિદ્યાભવન, અમદાવાદમાં ભારતીય સંસ્કૃતિ વિષયના વ્યાખ્યાતા, રીડર તેમજ નિયામક તરીકેની, ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક અધ્યાપક તેમજ ગુજરાત ઈતિહાસ પરિષદની કારોબારી સમિતિનાં પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમણે અભિલેખવિદ્યાના ક્ષેત્રે શિલાલેખો, તામ્રપત્રલેખો, જળાશયોના શિલાલેખો, પ્રતિમાલેખો તેમજ અપ્રગટ અભિલેખોના વાચન અને સંપાદન દ્વારા ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસમાં ખૂટતી કડીઓનું અનુસંધાન કરવાનું મહત્વનું કાર્ય કર્યુ છે. ડૉ. શેલતે જળાશયના શિલાલેખોમાં વાવ-લેખોના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપ્યું છે. મારા પીએચ.ડી નો વિષય “ગુજરાતના ઈતિહાસલેખન ક્ષેત્રે ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી અને ડૉ. ભારતીબેન શેલત નું પ્રદાન” છે. મારા સંશોધન ના ભાગરૂપે આ રીસર્ચ પેપર રજુ કરેલ છે. આ સંશોધન પેપરમાં વાવની રચના, પાટણની રાણી ઉદયમતીની વાવ, વઢવાણની માધાવાવ, પેટલાદ (જિ.આણંદ)ની વાવ, મહુવા (જિ.ભાવનગર)ની સુદાવાવ, મહમૂદ બેગડાના સમયની સાંપા (દહેગામ)ની વાવ, વડવા (ખંભાત)ની વાવ, અડાલજની વાવ, બાઈ હરીરની વાવ, ગાંગડની વાવ, અમૃતવર્ષિણી વાવ, આશાપુરાની વાવ અને શિમરોલી (તા.કેશોદ)ની બ્રિટિશકાલીન વાવના શિલાલેખોમાં પ્રયોજાયેલી લિપિઓને ઉકેલી ગુજરાતના ઈતિહાસ અને સંસ્કૃતિની મહત્વની વિગતોને બહાર લાવવાનું કાર્ય કર્યું છે.
વાઘેલા હેતલબહેન ગીરીશભાઈ
પી.એચ.ડી. સંશોધક, ઈતિહાસ વિભાગ સમાજવિદ્યા ભવન,
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
Email : hetalvaghela6666@gmail.com