Abstract
કચ્છના સાહિત્ય અને સાહિત્યકારોના સંબંધમાં શ્રી દુલેરાય કારાણીજી ‘કચ્છના મેઘાણી’ તરીકે પ્રસિધ્ધિ પામ્યા છે.કારાણીજીનો કચ્છના સાહિત્યમાં એક યુગ પ્રવર્તતો હતો અને આજે પણ વિપુલ પ્રમાણમાં તેમના સાહિત્યનો અભ્યાસ થાય છે. કારાણીજીએ રચેલા લોકસાહિત્યમાં એમના દળદાર ગ્રંથો કચ્છ કલાધર બે ભાગમાં પ્રકાશિત થયેલ છે.એ ઉપરાંત કચ્છના રસઝરણાં,કચ્છની રસધાર,કચ્છી કહેવતો,કચ્છનું લોકસાહિત્ય,કચ્છ પ્રદેશનું લોકસાહિત્ય,કચ્છની પ્રેમકથાઓ,કચ્છ પિરોલી(ઉખાણાં),મીઠે મેરાણજા મોતીડા,કચ્છના સંતો અને કવિઓ બે ભાગમાં,કચ્છી કિસ્સા બાવની,ગાંધી બાવની,હરિજન બત્રીસી,અન્ય બાવનીઓ ઉપરાંત ઐતિહાસિક નવલકથાઓ,ઐતિહાસિક નાટકો,કલ્યાણચંદ્રજીના સંસ્મરણો,ચરિત્રો,કચ્છી શબ્દકોશ,કચ્છી બાળસાહિત્ય,અનુવાદો બધુ મળી અંદાજે કુલ ૭૮ જેટલી રચનાઓ જોવામાં આવે છે.
કચ્છ કલાધર જેવા ઐતિહાસિક ગ્રંથના ભાગ-૧ ની પ્રથમે જ તેમનું રચેલું કાવ્ય “ગરવી કચ્છ ધરા ગુણવંત” માં જ કચ્છ પ્રદેશની ભૂગોળ,સંતો-પીર,દેવી-દેવતાઓ,ખનીજો,ધાર્મિક સ્થાનો,પશુઓ,નગરો,વનસ્પતિઓ-ઔષધિઓ,પાળિયા વગેરેની પ્રાથમિક માહિતી મળે છે.આજ ગ્રંથોમાં જામ રાજપૂતોનો ઇતિહાસ,ગૂંતરીગઢ અને કંથકોટ કિલ્લાનો ઇતિહાસ જાણવા મળે છે.લાખા ફુલાણીના જન્મ અને તેની સાથે જોડાયેલી કથાઓનું વર્ણન મળી રહે છે.કેટલીક બાબતો સંશોધકને વિસ્તારથી સંશોધન કરવા પ્રેરે એવી છે.ભાટ-ચારણોના મુખે સાંભળેલી કથાઓની અહીં રજૂઆત કરેલી છે.“કચ્છનો ક્રોમવેલ જમાદાર ફતેહમહમ્મદ” પુસ્તકમાં તત્કાલીન કચ્છની રાજકીય અને લશ્કરી સ્થિતિ તેમજ કચ્છ અને હૈદરાબાદના સંબંધોની જાણકારી મળે છે.‘કારા ડંગર કચ્છજા’ નું સંપાદન કારાણીજીએ કરેલું છે.જેમાંથી કચ્છના અતીત અને વર્તમાન સંબંધી હકીકતો અભ્યાસ માટે ખુબ જ ઉપયોગી થાય છે. ઇતિહાસના વિષયમાં એક સંશોધક તરીકે જે તે પ્રદેશને પ્રાથમિક રીતે જાણવા અને સમજવા તે પ્રદેશનું લોકસાહિત્ય ખુબ જ ઉપયોગી નીવડે છે અને તેના કાર્યને દિશા મળે છે.દુલેરાય કારાણીજીનું સમગ્ર સાહિત્ય સંશોધનના ક્ષેત્રમાં કડીઓ પૂરી પાડે એમ છે.પદ્ય અને ગદ્ય બંને શૈલીના એમના લખાણમાં કચ્છના સામાજિક,રાજકીય,સાંસ્કૃતિક,આર્થિક પાસાઓનો સમાવેશ થયેલો જોવા મળે છે.કચ્છ જેવા વિશાળ પ્રદેશના અતીતના સમયના સ્થળોની હાલમાં ઓળખ કરી શકાય એ માટે ઘણી જગ્યાએ એમની રચનાઓમાં પાદનોધોં દર્શાવી છે જે અભ્યાસુ ને તે સ્થળે પહોંચવા આકર્ષિત કરે છે.કારાણીજીનું સાહિત્યક્ષેત્રે અમૂલ્ય યોગદાન કચ્છના અભ્યાસુઓને સતત લાભદાયી થયું છે અને થતું રહેશે.
Key Words:
દુલેરાય કારાણીજી, સાહિત્યમાં કચ્છનો ઇતિહાસ, કચ્છના સાહિત્ય અને સાહિત્યકારો
પટેલ પ્રજ્ઞેશકુમાર કાંતિલાલ
Ph.D. Research Scholar; ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
Mail : pkjiya10810@gmail.com