ગુજરાતના સાંસ્કૃતિક વારસા તરીકે લોકમેળાઓ અને લોકો ઉત્સવો

Abstract

ગુજરાતની ધરતીને કુદરતે છુટે હાથે સૌદર્ય બક્ષ્યું છે. પૂર્વમાં સહાદ્રી અને સાતપુડાના પર્વતોની હારમાળા,પશ્ચીમમાં કચ્છનું રણ,ઉત્તરે ગીરીરાજ આબુની ડુંગરમાળા અને દક્ષીણે દમણગંગાનું નૈસર્ગીક સૌદર્ય ઘરાવતા ગુજરાતનાં  ગૌરવવંતા લોકજીવનના વિસ્તારપટ પર નજર કરીશુ તો સમૃદ્ધ એવી કળા, સંસ્કાર અને સંસ્કૃતિનો મૂલ્યવાન વારસો ધબકતો નજરે પડે છે.   લોકસંસ્કૃતિ એટલે આચારમાં અને વિચારમાં કોઈપણ પ્રજાની જે લાક્ષણિકતાઓ કે જીવનરીતિ પરંપરાગત પેઢી દર પેઢી ઊતરતી રહેતી હોય તે એમની સંસ્કૃતિ. લોકસંસ્કૃતિ લોકોના સમગ્રજીવનને આવરી લે છે. લોકો એટલે એવો માનવ સમૂહ કે જે કોઈ એક જ ભૌગોલિક સીમામાં કે સાંપ્રદાયિકવાડામાં બંધાયેલો ન હોય. ગુજરાતમાં દેશી અને વિદેશી ઘણી પ્રજા આવી અને ગઈ. એમાં લાકડાના દેવદેવીઓની પૂજા કરતી ગ્રીક પ્રજા, સૂર્યપૂજાનો સંસ્કાર લઈ આવેલી સિથિયન અથવા સફેદ હુણપ્રજા,માછીમારીનું કામ કરતી નિષાદપ્રજાવગેરેનો સમાવેશ થાય છે.ગુજરાતમાંખારવા,કોળી,મિયાણા,બરડાપ્રજા,મેર,બલૂચો,બાબર,ખરક,વણજારા,વાઘેલા,તરગાડા, લુહારીયા,સલાટ,સીદી,જાત,વગેરે પ્રજા ગુજરાતમાં આવીને વાસી છે. આ સર્વે પ્રજા અને પ્રદેશોએ વસેલી પ્રજાએ અને તેમની સાથે આવેલ એમના સંપ્રદાયો,સંસ્કારો,રીતીરીવાજો,માન્યતાઓ,એમના સંગીત,નૃત્ય,ચિત્ર,રહેણીકરણી,અને ખાનપાન,માન્યતાઓ અને કલાકારીગીરીએ સાથે મળીને ગુજરાતની લોકસંસ્કૃતિને ઘાટ આપ્યો છે.

ગુજરાતની લોકસંસ્કૃતિના ઘડતરમાં આ પ્રજા અને પ્રદેશ સમૂહોનું આગવું યોગદાન છે.આમ લોકસંસ્કૃતિએ કોઈ એકલ દોકલ માનવી કે માનવસમૂહનું સર્જન નથી. પણ ઘણી નદીઓમાંથી જેમ મહાનાદ ઊભો થાય તેમ અનેક લોકજાતિઓના સમન્વય સમિશ્રણમાંથી ગુજરાતની લોકસંસ્કૃતિના વિશિષ્ટ સ્વરૂપો સર્જાયા છે આ સ્વરૂપો વડે જ લોકસંસ્કૃતિનું કાઠું બંધાયું છે. લોકજીવનમાં આનંદનો ઉમેરો કરતાં ઉત્સવો,તહેવારો,અને મેળાઓનું મહાત્મય તો વળી અનેરા પ્રકારનું જ છે આદિકાળથી મેળાઓ અને ઉત્સવોની ઉજવણી માનવી કરતો આવ્યો છે.દિવાળી,હોળી,ગોકુળઆઠમ,અખાત્રીજ,દિવાસો,ઉતરાયણ અને વસંતઉત્સવ જેવા ઋતુઓના રંગે ઝીલીને આવતા પર્વ  પ્રસંગે જોવા મળતી પરપરાંઓ અનેરી છે. કેટલાક તહેવારોમાં ગામેગામ મેળાઓનું આયોજન થાય છે. શ્રાવણીપૂનમ,ભાદરવી અમાસ,ભાદરવાની ત્રીજ-ચોથ-પાંચમ જેવા તહેવારોમાં ઠેરઠેર લોકમેળાનું આયોજન થાય છે. ત્યારે ગુજરાતની કલા અને સંસ્કૃતિની જાહોજહાલી પ્રગટ થાય છે. આ લોકોઉત્સવો અને મેળાઓ નાત-જાત,ગરીબ-તવંગર કે ઊંચ-નીચના ભેદભાવ વગર સૌ સાથે મળીને ઉજવે છે. માનવીના હદયમાં રહેલા દુ:ખ ને દુર કરી આનંદ ઉલ્લાસ સમગ્ર વાતાવરણમાં પ્રસરી દે છે. ગુજરાત તેના પરંપરાગત મેળાઓ અને તહેવારોના કારણે જગપ્રસિધ છે. ગુજરાતમાં દરવર્ષે નાનામોટા ૧૬૦૦ ઉપરાંત મેળાઓ યોજાતા હોય છે તેમાંથી ૫૦૦થી વધુ મેળાઓ શ્રાવણમાસમાં યોજાય છે. સૌથી વધુ આશરે ૧૫૯ મેળાઓ સુરત જીલ્લામાં અને સૌથી ઓછા મેળા ડાંગ જીલ્લામાં યોજાય છે.ગુજરાતમાં ૨૮૦ જેટલા વનવાસીઓના મેળા યોજાય છે. સૌથી વધુ ૮૯ પંચમહાલ જિલ્લામાં યોજાય છે આમ સમૃદ્ધ સંસ્કૃતિના કારણે મેળાઓ અને લોકોઉત્સવો ની સમાજમાં એક અમી છાપ કાયમી રહે છે. મેળાઓ અને લોકઉત્સવો  ના કારણે સામાજીક એકતા અને બંધુત્વની ભાવના નો વિકાસ થાય છે  ગુજરાતના તહેવારો,મેળાઓ અને તેની ઉજવણીને લીધે તે વૈશ્વિક ફલક ઉપર ગુજરાત પોતાની એક આગવી છાપ ઊભી કરી  છે.

PARMAR DHARTIBAHEN DIVYAKANTBHAI

Ph.D. Research Scholar
DEPARTMENT OF HISTORY - GUJARAT UNIVERSITY
Email : dharti111.dp@gmail.com

DOI

Downloads

Leave a Reply